.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

15/5/11

૫૨. માતાનું રૂદન


(રાગ-તારા હાલરડે પડી હડતાલ-ચેલૈયાનું હાલરડું ...)

મારો ગયો કુટુંબનો આધાર, સૂરજ બાલુડા,
          બાલુડા રે સૂરજ! ખમ્‍મા ખમ્‍મા તને!
મારા હૈયડાનો ગયો છે હાર, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : અમે જાણ્‍યું કે સૂરજને ભણાવશું, અને બનાવશું મહાન;
       પણ ઓચિંતાનો કાળ કોપી ઊઠયો, ને લઈ લીધો તારો જાન,
                              સૂરજ બાલુડા, બાલુડા રે....

મારો ભગવાન થયો દુશ્‍મન, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારું વેરાન કરી દીધું વન,સૂરજ બાલુડા, બાલુડા રે....
મારું લૂંટી લીધું છે પુત્રધન,સૂરજ બાલુડા, બાલુડા રે....
જાણે જગત કર્યું છે નિર્જન,સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : અમે જાણ્‍યું કે સૂરજને ચમકાવશું, અને ગાશું એનું ગાન;
       પરંતુ ખીલતી કળીને કરમાવી, આતો યમ ભૂલ્‍યો છે ભાન,
                              સૂરજ બાલુડા, બાલુડારે....

આતો ભગવાનનો કેવો ન્‍યાય,સૂરજ બાલુડા, બાલુડા રે....
એણે જીદ કરી ખોટી કે'વાય,સૂરજ બાલુડા, બાલુડા રે....
આટલો ઉતાવળો કેમ થાય,સૂરજ બાલુડા, બાલુડા રે....
આટલું દુઃખ કેમ સહેવાય,સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : અમે જાણ્‍યું કે સૂરજને પરણાવશું, અને ગાશું લગ્નગીત;
       પણ કાળને કોણ પહોંચ્‍યું, તેણે મેળવી બધે છે જીત,
                              સૂરજ બાલુડા, બાલુડા રે....

મારો ગયો છે કાંધનો દેનાર,સૂરજ બાલુડા, બાલુડા રે....
ગયો અગ્નિ સંસ્‍કાર કરનાર,સૂરજ બાલુડા, બાલુડા રે....
ગયો મારો પાલવ ખેંચનાર,સૂરજ બાલુડા, બાલુડા રે....
કેમ હૃદય ચૂંકયું ધબકાર,સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : નભે સૂરજ આથમ્‍યો તો ભલેને, તું કાં આથમ્‍યો મારા સૂરજ;
       તારા વિનાનો થયો છે અંધકાર, ને થઈ ગયું રજનું ગજ,
                                સૂરજ બાલુડા, બાલુડા રે....

મારા કેમ પસાર થશે દ', સૂરજ બાલુડા, બાલુડા રે....
સૂનું લાગે છે મારું આ જીવન, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારા હૈયડે લાગી છે અગન, સૂરજ બાલુડા, બાલુડા રે....
હવે રહી નથી કોઈ લગન, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : ઓલ્‍યા ગરીબને પથારી ધરતી, ને વળી આભતણીચાદર;
       એ બધું હવે છીનવાઈ ગયું, મારું વેરાન થૈ ગયું પાદર,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

જયાં જોઉં ત્‍યાં તારો થાય છે ભાસ, સૂરજ બાલુડા, બાલુડા રે....
કેમ પાથર્યો ન તેં તારો પ્રકાશ, સૂરજ બાલુડા, બાલુડા રે....
કયાં આથમી ગયો તારો ઉજાશ, સૂરજ બાલુડા, બાલુડા રે....
મેં તો રાખી નહોતી આવી આશ, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : વડથી લાંબી વડવાયું, ને કરે વડને નિરંતર સહાય;
       એ માતા એક અભાગણી, જેનો લાડકવાયો છોડી ચાલ્‍યો જાય,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

મારા જીવનમાં પડી છે ખોટ, સૂરજ બાલુડા, બાલુડા રે....
યછળતા દરિયે આવી ઓટ, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારો તૂટી પડયો છે રૂડો કોટ, સૂરજ બાલુડા, બાલુડા રે....
હું તો કઈ દિશામાં મૂકું દોટ, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : ગુલાબ હસતાં ખીલતું, એને નિરંતર કાંટા પણ ભોંકાય;
      પણ દુઃખના દા'ડા જયાં આવ્‍યા, ત્‍યાં દુઃખના જ ડુંગર ખડકાય,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

વધી ગયો છે મુજ પર ભાર, સૂરજ બાલુડા, બાલુડા રે....
ગયો બુઢાપાનો મારો આધાર, સૂરજ બાલુડા, બાલુડા રે....
તું કેમન ઊતર્યો ભવપાર, સૂરજ બાલુડા, બાલુડા રે....
કેમ છોડી ગયો તું ઘરબાર, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : લીલુડી લીમડી જેના ઘર ઝૂલતી, ત્‍યાં પંખીડાં આવે અપાર;
       પણ પેલો બુઢો બાવળિયો ડોલતો, ત્‍યાં કોઈ ન જાય લગાર,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

કોને સંભળાવું આ મારું દુઃખ, સૂરજ બાલુડા, બાલુડા રે....
બધા ફેરવી લે છે નિજ મુખ, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારું આથમી ગયું છે આ સુખ, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારી સૂની થઈ ગઈ છે કુખ, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : ચંદન કાષ્ઠ વનમાં મઘમઘતું, ચિતાએ ચડી ખાખ થાય;
       માતા શોભતી લાડકવાયાથી, એના વિના એ વાંઝણી કે'વાય,
                              સૂરજ બાલુડા, બાલુડા રે....

મારો ગયો આંગણ ખેલનાર, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારો સૂનો કર્યો છે દરબાર, સૂરજ બાલુડા, બાલુડા રે....
તેં કેમ માની સંસારની હાર, સૂરજ બાલુડા, બાલુડા રે....
હૃદય કેમ ચૂકયું ધબકાર, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : વસંતે ફૂલ ખીલતાં, પણ આ ભર વસંતે કરમાયું ફૂલ;
       નિરંતર હું અમૃત પાતી રહી, છતાં કઈ હતી મારી ભૂલ,
                               સૂરજ બાલુડા,બાલુડા રે....

મારો કરમાઈ ગયો છે બાગ, સૂરજ બાલુડા, બાલુડા રે....
રૂડાં ગીતનો અટકયો રાગ, સૂરજ બાલુડા, બાલુડા રે....
એ જીવનનો ન મપાયો તાગ, સૂરજ બાલુડા, બાલુડા રે....
કેમ લઈ લીધો જલદી વૈરાગ, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : વનમાં વનરાઈ ગાજતી, અહીં ગાજે હૃદયનો ધબકાર;
       મધુર ગીતડાં હવે બંધ થયાં, ઘર થઈ ગયું સૂનકાર,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

કેમ ઊંધાં વભં નદીનાં વ્‍હેણ, સૂરજ બાલુડા, બાલુડા રે....
તારું કયા જુગનું હતું આ દેણ, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારો હીરો ખોવાયો છે લાખેણ, સૂરજ બાલુડા, બાલુડા રે....
કેમ રોગ બન્‍યો આ જીવલેણ, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : આંખોમાં આનંદ ભરવો હતો, પણ ભરાયાં એમાં નદી-નીર;
       સુખનો વાયુ વહાવવો હતો, છતાં દુઃખનો વભે છે સમીર,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

આતો હણી લીધું છે મારું નૂર, સૂરજ બાલુડા, બાલુડા રે....
ભગવાન કેવો બન્‍યો છે ક્રૂર, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારો લાડકવાયો ગયો દૂર, સૂરજ બાલુડા, બાલુડા રે....
હવે વહે છે આંસુડાનાં પૂર, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : અહીં આંગણિયે તું રમતો હતો, હું તો જોતી હતી તારા ખેલ;
       હવે આ ઘરમાં ફેલાયો અંધકાર, ઘર લાગે છે હવે જેલ,
                              સૂરજ બાલુડા, બાલુડા રે....

મારું  જીવન થયું છિન્‍નભિન્‍ન, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારા મુશ્‍કેલ કરી દીધા દિન, સૂરજ બાલુડા, બાલુડા રે....
તું કેમ થયો પ્રભુને આધિન, સૂરજ બાલુડા, બાલુડા રે....
તુંતો થયો એની લીલામાં લીન, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : અમારે તને પરણાવો હતો, અને રોપાવા'તા થંભ ચાર;
       પણ હૈયે ધારેલ અધૂરું રહ્યું, મોત આવી ગયું મારંમાર,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

મારા અરમાનોનું ઢાળ્‍યું ઢીમ, સૂરજ બાલુડા, બાલુડા રે....
પ્રભુ એવો થઈ ગયો જાલિમ, સૂરજ બાલુડા, બાલુડા રે....
તારી મહાનતાનું તૂટયું નીમ, સૂરજ બાલુડા, બાલુડા રે....
રડે છે શેરી, દીવાલો ને સીમ, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : તું હતો તો બહાર હતી, અને ફેલાતી હતી સર્વત્ર સુગંધ;
       પણ તારા વિના પાનખર આવી, મારી આંખો થઈ ગઈ અંધ,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

તું તો મારાથી ગયો કેમ દૂર, સૂરજ બાલુડા, બાલુડા રે....
તું મૂકી ગયો રૂદનના સૂર, સૂરજ બાલુડા, બાલુડારે....
મારે દુઃખનાં ફૂટયાં છે અંકુર, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારા સૂર મૂરઝાયા મધુર, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : મરણને કોણ રોકી શકયું, મરણ રહેતું ન કોઈના હાથ;
       તુંયે એની જાળમાં ફસાઈ ગયો, તેં છોડી દીધો અમારો સાથ,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

કેમ થયો તું મૃત્‍યુથી મહાત, સૂરજ બાલુડા, બાલુડા રે....
લીધી પૃથ્‍વીની ટૂંકી મુલાકાત, સૂરજ બાલુડા, બાલુડા રે....
તેં સહ્યો ન અહીંનો ઝંઝાવાત, સૂરજ બાલુડા, બાલુડા રે....
પ્રભુએ બીજો લગાડયો આધાત, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : વાદળમાં ઝબકતી પેલી વીજળી, અને નાચી ઊઠતો મોર;
       પણ તારી કળા અધૂરી રહી ગઈ, તને કેવો ચડી ગયો તોર,
                              સૂરજ બાલુડા, બાલુડા રે....

મારાં અરમાનોનો થયો ભંગ, સૂરજ બાલુડા, બાલુડા રે....
તેં તો લઈ લીધો મોતનો સંગ, સૂરજ બાલુડા, બાલુડા રે....
મેં તો દીધો ગુમાવી સાચો નંગ, સૂરજ બાલુડા, બાલુડા રે....
તેં તો ખેલ્‍યો ન જિંદગીનો જંગ, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : બાવરી બની હું ભટકતી, અને કરતી તારા નામે પોકાર;
       તારા વિનાની હું ઝૂરતી, આતો છીનવાઈ ગયો મારો આધાર,
                              સૂરજ બાલુડા, બાલુડા રે....

ભીંતોમાં સંભળાય તારો સાદ, સૂરજ બાલુડા, બાલુડા રે....
હરઘડી આવે છે તારી યાદ, સૂરજ બાલુડા, બાલુડા રે....
કોની પાસે કરું હું ફરિયાદ, સૂરજ બાલુડા, બાલુડા રે....
મને આપતું નથી કોઈ દાદ, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : નભે ચાંદ કળા કરતો રહે, તેં કેમ કળા કરી મારા બાળ;
       મેં તો પ્રેમથી ભોજન કર્યાં હતાં, હવે રઝળી પડયા એ થાળ,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

મારું  સૂનું થઈ ગયું જગત, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારું સ્‍વપ્‍ન બન્‍યું ન હકીકત, સૂરજ બાલુડા, બાલુડા રે....
પ્રભુને કેવી સૂઝી ગઈ કુમત, સૂરજ બાલુડા, બાલુડા રે....
કોણે જાણી છે નસીબની ગત, સૂરજ બાલુડા, બાલુડા રે....

સાખી : આભે તારલા ટમટમતા, ને ચાંદલિયો કરતો દોટાદોટ;
       મારો સૂરજ તો આથમી ગયો, મારા જીવતરમાં પડી ખોટ,
                              સૂરજ બાલુડા, બાલુડા રે....
તું તો હતો મારા હૈયાનો હાર, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારા જીવન તણો શણગાર, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારા હૈયા તણો હતો આધાર, સૂરજ બાલુડા, બાલુડા રે....
હવે જીવનમાં કયો રહે સાર, સૂરજ બાલુડા, બાલુડારે....

સાખી : સપૂતથી દેશ શોભતો, ને પેલા કપૂતથી થાય બરબાદ;
       તું બહુ ઉતાવળો થયો, ચાલી નીકળ્‍યો પોતે થઈને આઝાદ,
                               સૂરજ બાલુડા, બાલુડા રે....

તું તો ચાલી નીકળ્‍યો કોના દેશ, સૂરજ બાલુડા, બાલુડા રે....
તેં પહેર્યો પરલોકનો વેશ, સૂરજ બાલુડા, બાલુડા રે....
મારું દુઃખી થયું જીવન શેષ, સૂરજ બાલુડા, બાલુડા રે....
તારા પિતા વસે છે પરદેશ, સૂરજ બાલુડા, બાલુડા રે....
* * *

ટિપ્પણીઓ નથી: