.

મિત્રો,

આ બ્લોગ મેં મારું પુસ્તક 'વિધવા' માટે જ ખાસ બનાવેલ છે. તો વાંચો અને અમૂલ્ય પ્રતિભાવ આપો. મારી અન્ય રચનાઓ ગીત, ગઝલ, હઝલ વગેરે વાંચવા મારા બીજા બ્લોગની મુલાકાત લો...

www.sagarramolia.blogspot.com

અથવા

www.sagarramolia.wordpress.com


સરદાર વલ્લભભાઈ વિશે વાંચવા માટે
www.sardarvallabh.blogspot.com

કોમેન્ટ કેવી રીતે કરશો?
પોસ્ટની નીચે જ્યાં કોમેન્ટ અથવા ટિપ્પણી પોસ્ટ કરો લખેલ છે ત્યાં ક્લીક કરવાથી કોમેન્ટ માટેનું ફોર્મેટ આવશે. તેમાં નામ/URL લખેલ છે ત્યાં કલીક કરવાથી નામ લખવાની જગ્યા આવશે. ત્યાં માત્ર નામ લખીયે તો પણ ચાલે. બાકીની વિગત લખવાની જરૂર જ નથી. આપની ઈચ્છા હોય તો પૂરી વિગત લખી શકો છો. અને નામ ન લખીયે તો પણ ચાલે છે. નામ ન લખીયે તો તે કોમેન્ટ 'અજ્ઞાત' નામથી પ્રકાશિત થાય છે.

16/5/11

00. થોડી મારી વાત....

         ઘણા સમયથી મનમાં એક વેદના ઘૂંટાયા કરતી હતી. તેને કયા સ્‍વરૂપે વ્‍યકત કરું એ સમજમાં આવતું નહોતું. ખૂબ મહેનત કરી, ખૂબ મૂંઝાયો અને અંતે એ મૂંઝવણને પ્રકટ કરવા પ્રયત્‍ન કર્યો, અને એના ફળસ્‍વરૂપે સર્જાયું ગીતિ-દીર્ઘ કાવ્‍ય વિધવા'. આ કાવ્‍યમાં એક સ્‍ત્રીના જીવનના અમુક પ્રસંગો કે ખંડો લીધા છે અને આ કાવ્‍યની બધી રચનાઓ ગીતના ઢાળમાં છે. રાગ તરીકે જેની જેની રચનાઓનો ઉલ્‍લેખ કર્યો છે તેઓની ક્ષમાપના ઈચ્‍છું છું.

         આ કાવ્‍યમાં કરૂણતા વધારે છે, આનંદનું તત્વ ઓછું છે. આ કાવ્‍ય મેં મારી કલ્‍પનાથી રચ્‍યું છે. એવી કોઈ સત્‍ય ઘટના બની હોય તો મને ખબર  નથી. સ્‍ત્રીના જીવનમાં ડગલે ને પગલે દુઃખ આવતું રહે છે. તે એક વખત વિધવા બને છે, સમાજ અને સસરાની જાગૃતિથી ફરીથી તેનાં લગ્ન થાય છે, તેમાં એક પુત્રરત્‍ન જન્‍મે છે, પતિ વિદેશ જાય છે, પુત્રનું અવસાન  થાય છે, પતિ વિદેશથી આવે છે, પતિનું પણ અવસાન થાય છે અને બીજી વખત તે સ્‍ત્રી વિધવા બને છે. આવી રીતે તે સ્‍ત્રીના જીવનમાં આઘાત -પ્રત્‍યાઘાત આવતા ગયા. કઈ સ્‍ત્રી આવી રીતે બે-બે વખતનું વૈધવ્‍ય સહન કરી  શકે! પરિણામ જે આવવાનું હોય તે જ આવ્‍યું. તે પણ બંને પતિ અને  પુત્રના રસ્‍તે ચાલી નીકળે છે. આમ, એક કોડભરી સ્‍ત્રીને કુદરતની ક્રૂર થપાટથી જીવન દરમિયાન દુઃખ જ મળ્‍યું.

         વાત તો સીધી છે. પરંતુ બધી જ રચનાઓને ગાઈ શકાય એટલે જુદાં જુદાં  જાણીતાં ગીતોના ઢાળમાં બનાવી છે. મનમાં મૂંઝાયેલી વેદનાને બહાર નીકળવું હતું અને આ સ્‍વરૂપે નીકળી - અઢી હજાર પંકિતઓના ઢગલા સ્‍વરૂપે - જે થોડું ટૂંકાવીને ૧૯૦૦ જેટલી પંકિતઓમાં આપની સમક્ષ મૂકું છું....... વિધવા' ગીતિ-દીર્ઘકાવ્‍ય સ્‍વરૂપે.

         કંઈ ખામી રહી ગઈ હોય તો ક્ષમા-યાચના સાથે...
                                                                                                                                     - ‘સાગર' રામોલિયા

૧. ગામડું


(રાગ-એક વણઝારી ઝૂલણ ઝૂલતી'તી)

એક રૂડું રૂપાળું ગામડું,
એ હૈયે હેતાળું ગામડું;
     એમાં રહેતા'તા સંપીને સહુ,
          એ રૂડું રૂપાળું ગામડું.

એક-બીજાને લોકો મદદ કરે,
દુખિયા માટે તો સર્વસ્‍વ ધરે;
     એ ગામની તો શી વાત કહું! એ રૂડું.....

મહેમાનો આવે તો મરી પડે,
મીઠી વાતોમાં ઊંડા ઊતરી પડે;
     બન્‍યા'તા જ્ઞાની તેઓ બહુ, એ રૂડું.....

નાતજાતમાં તેઓ ન માનતા,
સૌની સાથે એકતા રાખતા;
     કહેતા, ‘છે સૌનું એક લહુ', એ રૂડું.....

તહેવારોના લોકો ખૂબ શોખીન,
સૌ સાથે રહે, હોય ધની કે દીન;
     એવા ગામને તો હું ખૂબ ચહું, એ રૂડું.....

સંપના તો પાઠ સૌને શીખવે,
શાંતિ રાખવા એ સૌને વીનવે;
     ને દાખલો બેસાડે હૂબહૂ, એ રૂડું.....

થઈ ગઈ એક દિવસે ભારે,
રડતી હતી બાઈ એક ચોધારે;
     એના કલ્‍પાંતની શી વાત કહું!
     એ કલ્‍પાંત કરતું ગામડું, એ રૂડું.....
                          * * *

ર. દિલાસો દેજો


(રાગ-સત્‍સંગમાંથી રજા લઈને...)

કરમ સંજોગે વિધવા બની,
તૂટી પડયું છે આભ એના પર,
હિમ્‍મતના બે શબ્‍દ કે'જો,
જઈને સૌ દિલાસો દેજો. (ર)

સુખનાં જે વાદળાં હતાં
એ વાદળો વિખરાઈ ગયાં,
વસંતની ખીલી'તી મોસમ
ત્‍યાં પાનખર પથરાઈ ગયા;
ઉજ્જડ વનમાં ભટકતી
એના સંગાથે કદી' રે'જો, જઈને સૌ.....

સંસારમાં હજુ પગ માંડયો'તો
એ પગ એનો લપસી ગયો,
કનૈયા જેવો જેનો પતિ હતો
એ પતિને કાળ ભરખી ગયો;
એ કરૂણ કલ્‍પાંત કરતી
એના દુઃખને તો ઘ્‍યાને લેજો, જઈને સૌ.....

ચંદ્ર આજે ઝાંખો થયો
ને સૂર્યનું તેજ હણાઈ ગયું,
ખીલ્‍યું'તું ફૂલ બાગમાં
એ અચાનક કરમાઈ ગયું;
વિધવા બની એ દુઃખી થઈ
એને હિમ્‍મત દેતા રે'જો, જઈને સૌ.....
                         * * *

૩. વિધવાનું આક્રંદ


(રાગ-એજી લક્ષ્મણ ઘડીક ઊભા રહોને...)

અરે, પ્રભુ! તારે ને મારે હતું શું વેર?
          વેરી બની શીદ આવ્‍યો રે?
મારા પતિદેવને આવ્‍યું મરણ,
          અભાગિયા શીદ લાવ્‍યો રે?

અરે, આજે બન્‍યો તું કેમ નિર્દય?
          દયાનું ઝરણું કયાં ગયું રે?
એવો રક્ષક બની થયો ભક્ષક,
          એવું તે તને શું થયું રે?

અરે, મારો નોધારીનો આધાર,
          શીદને તેં છીનવ્‍યો રે?
પ્રભુ તારી દયાનો એ ભંડાર,
          કયાં જઈને ઠાલવ્‍યો રે?

અરે, તેં તો તોડયું મારું મનોબળ,
          કરી તેં મને નિરાધાર રે;
એવા મારા હૈયાની તોડી તેં હામ,
          જીવનમાં રહ્યો ન સાર રે!

અરે, એવા દુખિયાના ઉદ્ધારક,
          દુઃખી મને શીદ તેં કરી રે?
એવા મારા અંતરની હણી આશા,
          વેદના શીદ ભેટ ધરી રે?

અરે, મારા હૈયાનો છીનવી હાર,
          તને એમાંથી શું મળ્‍યું રે?
એવા મારા પ્રાણાધારનો લૈ જીવ,
          પેટ તેં કેટલું ભર્યું રે?

અરે, તારે લેવો'તો મારો જીવ,
          એનો જીવ શીદ લીધો રે?
એવા સૂર્ય આડે બની વાદળ,
          અંધકાર શીદ દીધો રે?

અરે, જીવન સાથેનો ખેલ,
          પૂરો નહોતો ખેલ્‍યો રે;
ત્‍યાં કરી નાખી તેં ઉતાવળ,
          યમને જલ્‍દી મેલ્‍યો રે!

અરે, તું વટાવી ગયો હદ,
          તારું કામ તેં કર્યું રે;
એવો નજરે ચડયો તને જે,
          એનું જીવન હર્યું રે!

અરે, તેં તો વર્તાવ્‍યો કાળો કેર,
          ન જોયું તેં પાછું વાળી રે;
એવો કપટી થૈ કર્યું કપટ,
          જિંદગી કરી તેં કાળી રે!

અરે, મારાં સાસુ રડે છે ચોધાર,
          નણદી લાગી માથું કૂટવા રે;
એવા દિયરિયે મૂકી લાંબી પોક,
          ધિક્કારું છું તને હું વિધવા રે!

અરે, મારા સંસારને ઉજાડનાર,
          આવો તું કદી' જો થશે રે;
એવો જેનો ઉજ્જડ કરીશ સંસાર,
          વિધવાની હાય લાગશે રે!
* * *

૪. સાસુ-સસરા


(રાગ-અંબાનો ગરબો ગાવા તું જાને માના પાયે...)

આવતાં હતાં આંખોમાં આંસુ,
એ લૂછી નાખતાં મારાં સાસુ.
          કરમાયેલા ફૂલને હૈયે લગાડતાં,
          સમજાવીને તેઓ ધીરજ પાઠવતાં.
સાસુથી અદકેરા સસરા,
મારા મનના કાઢે કચરા.
          દુઃખી થયેલી મારા દુઃખને ભગાડતા,
          શાંતિ આપીને મારું જીવન સજાવતા.
ધૈર્યનાં મૂર્તિ મારાં સાસુજી,
એનો બોલેબોલ માન્‍ય રાખુંજી.
          દિલાસો આપીને મારાં મનડાં ડોલાવતાં,
          વહુ-બેટા' કહીને તેઓ મને બોલાવતાં.
આ સસરા મારા બહુ સારા,
કદી' કાઢે નહિ વેણ ખારા.
          મીઠું મીઠું બોલી મારાં મનડાં ડોલાવતા,
          દીકરી, દીકરી' કહીને મને બોલાવતા.
છે આવાં રૂડાં સાસુ-સસરા,
સાલવા ન દે પિયુનાં ગામતરાં.
          હર દિન મુજ પર હેત રાખતાં,
          સંસ્‍કારો થકી ઘરને મહેકાવતાં.
નિત્‍ય કરે પ્રભુજીની ભકિત,
પ્રભુ આપે ધૈર્યની શકિત.
          પળેપળ પ્રભુનું નામ મુખે રાખતાં,
          કથા-વાર્તાઓ તેઓ સૌને સંભળાવતાં.
જેના ગત જન્‍મનાં પુણ્‍ય ફળે,
એને સાસુ-સસરા આવાં મળે.
                          * * *

૫. દિયર-ભાભી


(રાગ-સવામણ સોનું ને અધમણ રૂપું...)

એક દિન બોલ્‍યો મારો લાડલો દેરીડો,
ભાભી તમે ધૈર્યની દેવી! હો, રાજ
     ભાભી રે મારા મનમાં સમાણાં.

ભાભી તમારી પાસે નોકર બની રહું,
સેવાની તો વાત શી કહેવી! હો, રાજ
     ભાભી રે મારા મનમાં સમાણાં.

કહો તો ભાભી કૂવેથી પાણીડાં હું ભરું,
સફાઈ કરું હું કહો એવી! હો, રાજ
     ભાભી રે મારા મનમાં સમાણાં.

વહાલાં ભાભી કદી' મુજથી ન રૂઠશો,
ભૂલ થાય તો માફ કરી દેવી! હો, રાજ
     ભાભી રે મારા મનમાં સમાણાં.
                              *
મારો લાડલો દેરીડો છે આવો હઠીલો,
શીદને માને મુજને દેવી! હો, રાજ
     ભાભી હું એના મનમાં સમાણી.

લાડલા દેરીડાને કામ શીદ કરાવું,
નથી કંઈ હું નમાલા જેવી! હો, રાજ
     ભાભી હું એના મનમાં સમાણી.

નિશાપતિ જેવું એનું મુખડું ચમકે,
બુદ્ધિની તો વાત શી કહેવી! હો, રાજ
     ભાભી હું એના મનમાં સમાણી.

મારા દેરીડાને કદીયે આંચ ન આવે,
આ દેરાણી તો શોધું હું એવી! હો, રાજ
     ભાભી હું એના મનમાં સમાણી.
                          * * *

૬. નણંદ-ભાભી


(રાગ-મારા મહીસાગરના આરે ઢોલ વાગે છે...)

મારી ભાભલડી ઉપર હું પ્રાણ ફના કરું,
            ફીદા કરું પ્રાણ ફના કરું; (ર)
મારી ભાભલડી ઉપર હું પ્રાણ ફના કરું.

જે માગે તે હું હાજર કરું,
જીવ માગે તો હું ચરણે ધરું;
એમની ઈચ્‍છા પ્રમાણે ઝોળી ભરું, (ર) મારી ભાભલડી..

ભોજન માગે તો રસોઈ કરું,
પાણી માગે તો હું તો દૂધ ધરું;
એની નિરાશાને પલમાં હરું, (ર) મારી ભાભલડી..

એને ખીલવા માટે હું તો ખરું,
એ કહે એટલાં પગલાં ભરું;
બોલીને કદી' હું તો નહિ ફરું, (ર) મારી ભાભલડી..
                              *
મારાં વા'લાં રે નણંદબા શીદ આવું બોલો,
           શીદ આવું બોલો શીદ આવું બોલો; (ર)
મારાં વા'લાં રે નણંદબા શીદ આવું બોલો!

આનંદ કરો ને મસ્‍તીમાં ડોલો,
ખૂંદી વળો તમે મેડી ને મો'લો;
શરણાઈ અને વગાડો ઢોલો, (ર) મારાં વા'લાં...

હું સામાન્‍ય છું શીદ ઊંચી તોલો,
કોઈ મહાનતાથી ન રે તોલો;
સ્‍વભાવ તમારો છે સાવ ભોલો, (ર) મારાં વા'લાં...

જરા સમજી મનના પડદા ખોલો,
આતમનાં થયેલ બંધ દ્ધાર ખોલો;
કામ કરી જાણું છું, હાથ નથી પોલો, (ર) મારાં વા'લાં...
                          * * *

૭. સાસુની વ્‍યથા અને સસરાનો નિર્ણય


(રાગ-બાર બાર વર્ષે નવાણ ગળાવ્‍યાં...)

નિસાસો નાખી મારાં સાસુજી બોલ્‍યાં
          આ વહુની જિંદગી કેમ જાશે જી, રે!
યુવાન છે હૈયું, યુવાનછે મનડું
          યુવાન એની કાયા કરમાશે જી, રે!

વહુ બિચારી થઈ ગઈ છે દુઃખી
          એકલતામાં જીવડો મૂંઝાશે જી, રે!
નથી એને છૈયું કે બને સહારો
          વિધવા મે'ણાં કેમ સંભળાશે જી, રે!

ભલી ને ભોળી તો છે વહુ બિચારી
          આમ તો વિકાસ રૂંધાશે  જી, રે!
આબરૂની બીકે એ તો નહિ બોલે
          અમથી મૂગું કંઈ રહેવાશે જી, રે?

કનક જેવી છે એની રૂડી કાયા
          શું આમ ને આમ એ ભંગાશે જી, રે?
ના, રે ના! નહિ હું થવા દઉં એવું
          ભલે જીવ મારો તન્‍નથી જાશે જી, રે!

એવું હું કંઈક કરી દેખાડીશ
          એનો જીવડો કદી' મલકાશે જી, રે!
એ તો ઈચ્‍છે દુઃખ સહન કરવા
          શું મુજથી દુઃખી એને રખાશે જી, રે?

શું રે બેઠા તમે મુજ પ્રાણનાથ?
          તમારું મનડું શું કહે છે  જી, રે?
જરા વિચારો વહુના સસરાજી
          વહુ કેટલું દુઃખ સહે છે જી, રે!
                              *

શું રે બોલે છે તું વહુની સાસુજી
          વહુને દુઃખ નહિ પડે જી, રે!
તું રે શું જાણ મારો અંદરનો આત્‍મા
          ચોધાર આંસુડે ઈ રડે જી, રે!

મારો આતમ ઘોડે ચડી કહે છે
          વહુને દીકરી માનીશ જી, રે!
સારું ઘર ને મુરતિયો શોધીશ
          એ બેટીને પરણાવીશ જી, રે!

એવું શું બોલ્‍યા વહુના સસરાજી
          આવો વિચાર શીદ લાવો જી, રે!
એમ છતાં કહેતું હોય દલડું
          વહુબેટાને પૂછી આવો જી, રે!

દીકરી મારી એક વાત સાંભળો
          વિચારીને જવાબ દેજો જી, રે!
મારે તમારા વિવાહ કરવા છે
          બાપ તમારો માની લેજો જી, રે!

એવું શું બોલો મારા પૂન્નય સસરાજી
          આવા વિચારને ન લાવો જી, રે!
કટ્ટર છે કેટલો આપણો સમાજ
          સમાજને પૂછી આવો  જી, રે!

સમાજને પૂછીશ, પ્રભુને પૂછીશ
          રજા સૌની મેળવીશ જી, રે!
વગડાવીશ હું શરણાઈ ને ઢોલ
          તમારાં લગ્ન કરીશ જી, રે!
          તમારું દુઃખ ભાંગીશ જી, રે!
                            * * *

૮. સમાજ અને સસરા


(રાગ-સંગીત નાટક/ભવાઈની જેમ પઠન કરવાનું)

સમાજ પાસે ગયા સસરા
          ને કરી તેણે રજૂઆત,
વિચાર કરી જવાબ દેજો
          પે'લા સાંભળો મારી વાત,
          ભાઈ, સાંભળો મારી વાત!

દીકરો મારો થયો છે પાછો
          વિધવા બની એની નાર,
જો રાખું એને આવી રીતે તો
          બગડે એનો અવતાર,
          ભાઈ, બગડે એનો અવતાર!

એટલે આત્‍મા કઠણ કરી
          મેં કર્યો છે એક વિચાર,
દીકરી મારી એને બનાવી
          પરણાવું નમણી નાર,
          ભાઈ, પરણાવું નમણી નાર!

છી છી કરી સરપંચ બોલ્‍યા
          શો આવી ગયો કળિયુગ!
કુબુદ્ધિ સૂઝી છે ડોસલાને
          વહુનો બગાડશે ભવ
                 ભાઈ, વહુનો બગાડશે ભવ!

ભગવાનનો જો કોપ થશે
          આપશે ખાવાનું નૈ ટંક,
મારે આવી વાતમાં પડીને
          નથી લેવું માથે કલંક,
       ભાઈ, નથી લેવું માથે કલંક!

આજીજી કરી સસરા બોલ્‍યા
          ન બોલો વગર વિચારે,
દુઃખી કરી એક વિધવાને
          શું મેળવવું છે તમારે!
          ભાઈ, શું મેળવવું છે તમારે!

પંચ પરમેશ્‍વરમાં માનું
          એટલે તમને પૂછું છું,
શું કરું છું હું કામ ખરાબ?
          વિધવાનાં આંસુ લૂછું છું,
          ભાઈ, વિધવાનાં આંસુ લૂછું છું!

છીંકારી ઉપસરપંચ વદ્યા,
          આવ્‍યો છે મોટો હરિશ્ચંદ્ર,
હળાહળ દુષ્‍કાળ પડશે
          જો પાપથી રૂઠશે ઈંદ્ર,
          ભાઈ, આ પાપથી રૂઠશે ઈંદ્ર!

કાળમુખા ધરા પર થાય
          તો ધરાનો થાય પ્રલય,
સમજતો નથી આ ડોસલો
          કરે છે પાપ જાતી વય,
           ભાઈ, કરે છે પાપ જાતી વય!

સમજું છું હું બધું સમજું
          એમ જલ્‍દી બોલ્‍યા સસરા,
નથી માત્ર તમે સમજતાં
          તેથી ધ્રુજી જાય છે ધરા
                    ભાઈ, ધ્રુજી જાય છે ધરા!

આ સમાજ આવડો બેઠો છે
          કોઈક તો આવો આગળ,
વિધવાનાં આંસુ લૂછવામાં
          શીદને ભાગો છો પાછળ?
          ભાઈ, શીદને ભાગો છો પાછળ?

વાત તો સાચી છે આ ડોસાની
          એમ મંત્રીશ્રી બોલી ઊઠયા,
ડોસાના કામમાં સાથ દેવા
          શીદને તમે આજ રૂઠયા?
          ભાઈ, શીદને તમે આજ રૂઠયા?

યુવાન છે ત્‍યાં વિધવા બની
          છે સંસાર જોવાનો બાકી,
સુખ આડે એનાં શીદ આવો,
          વિચાર ધરાવો છો વાસી,
          ભાઈ, વિચાર ધરાવો છો વાસી!

હસી કોટવાળ ઊભા થયા
          આ મંત્રીની વાત છે સાચી,
પરણાવવામાં વાંધો નથી
          હજુ ઉંમરેય છે કાચી,
          ભાઈ, હજુ ઉંમરેય છે કાચી!

સરપંચે હવે ટાપસી પૂરી
          વાત સમજમાં છે આવી,
સુખી કરશું હવે વિધવાને
          સૌ સાથે મળી પરણાવી,
          ભાઈ, સૌ સાથે મળી પરણાવી!
                           * * *

૯. ઘણી ખમ્‍મા


(રાગ-દુહા-છંદ જેવો...)

ઘણી ખમ્‍મા આ હૈયા ઉકેલનારને ઘણી ખમ્‍મા,
ઘણી ખમ્‍મા સમાજના સમજદારને ઘણી ખમ્‍મા.
ઘણી ખમ્‍મા વિચારવાન સસરાને,
ઘણી ખમ્‍મા સાસુની સમજદારીને,
ઘણી ખમ્‍મા બંનેના નિર્ણયને,
ઘણી ખમ્‍મા એમના અવતારને ઘણી ખમ્‍મા.
ઘણી ખમ્‍મા સમજુ સમાજને,
ઘણી ખમ્‍મા સમજુ આગેવાનોને,
ઘણી ખમ્‍મા એમની હૈયાવરાળને,
ઘણી ખમ્‍મા સારું વિચારનારને ઘણી ખમ્‍મા.
ઘણી ખમ્‍મા દયાવાનને,
ઘણી ખમ્‍મા ધૈર્યવાનને,
ઘણી ખમ્‍મા શૌર્યવાનને,
ઘણી ખમ્‍મા વિધવાનું દુઃખ સમજનારને ઘણી ખમ્‍મા.
ઘણી ખમ્‍મા ગામલોકની બુદ્ધિને,
ઘણી ખમ્‍મા ગામની સમૃદ્ધિને,
ઘણી ખમ્‍મા લોકોની સુદ્ધિને,
ઘણી ખમ્‍મા નવું વિચારનારને ઘણી ખમ્‍મા.
ઘણી ખમ્‍મા ગામની માનવતાને,
ઘણી ખમ્‍મા સૌની નીતિમત્તાને,
ઘણી ખમ્‍મા સૌની ઉદારતાને,
ઘણી ખમ્‍મા ધીરજ ધરનારને ઘણી ખમ્‍મા.
ઘણી ખમ્‍મા યુવાનની માતને,
ઘણી ખમ્‍મા યુવાનના બાપને,
ઘણી ખમ્‍મા યુવાનની જાતને,
ઘણી ખમ્‍મા પરણવા તૈયાર થનારને ઘણી ખમ્‍મા.
                          * * *

૧૦. આભારી બની


(રાગ-રમતો જોગી રે કયાંથી આવ્‍યો...)

સસરા આવો વિચાર રે કયાંથી આવ્‍યો હો, જી રે!
તેણે મારાં મનડાંમાં હલચલ મચાવી રે,
                     આભારી હું તો બની!

કરમ સંજોગે બની હું તો વિધવા હો, જી રે!
તમે મારા ઉપર આવી દયા શીદ લાવી રે,
                    આભારી હું તો બની!

આજે તમે બન્‍યા છો ભગવાનથી મોટા હો, જી રે!
મેં તો તમારી મૂર્તિને દલડામાં સમાવી રે,
                    આભારી હું તો બની!

તમારી હિંમતને કોઈ નવ પહોંચ્‍યા હો, જી રે!
તમે આજે જગની જડ રસમને ભગાવી રે,
                    આભારી હું તો બની!

સસરા તમે બન્‍યા રે મારા પિતાજી હો, જી રે!
તમે આજે દુનિયાને દીધી છે શરમાવી રે,
                    આભારી હું તો બની!

આજે એક બાજુ રે હર્ષ નથી માતો હો, જી રે!
ને એક બાજુ પતિની યાદ જાય છે આવી રે,
                    આભારી હું તો બની!

પ્રેમથી રહેતી હતી તમારી સાથે હો, જી રે!
આજે એ પ્રેમની યાદે દીધી છે રડાવી રે,
                    આભારી હું તો બની!

વા'લાં સાસુ-સસરા રે, નણંદ-દિયર હો, જી રે!
આજે સૌને છોડવાની ઘડી ગઈ આવી રે,
                    આભારી હું તો બની!
                          * * *

૧૧. વિવાહ પહેલા


(રાગ-ઘમ્‍મર ઘમ્‍મર મારું વલોણું ગાજે...)

ઢમઢમ ઢમઢમ આ ઢોલ વાગે,
          શરણાઈ વાગે ને મારું મન ડોલે;
સામેથી સસરા મારા હસતા આવે,
          દીકરી, દીકરી' કૈ મીઠા બોલ બોલે.

સાસુજી ઊભાં ઊભાં મુખ મલકાવે,
          દીકરી વળાવવાની તૈયારી કરે;
દરજી બોલાવી કપડાં શીવડાવે,
          ઘરેણાં લેવા જાય એ સોનીના ઘરે.

ઘરે ઘરે આમંત્રણ સસરા આપે,
          દીકરીના વિવાહમાં સૌને તેડાવે;
ફૂલ્‍યા ન સમાય તેઓ અતિ આનંદે,
          સગાં-સંબંધીને મીઠાઈ ખવડાવે.

આ નણંદલ મારાં ઠેકડા મારતાં,
          ઉછળતાં ને કૂદતાં એ ગીતો ગાતાં;
ભાભી, ભાભી' કહેતાં મારી પાસે આવે,
          મશ્‍કરી કરી તેઓ જાય મલકાતાં.

દેરીડાનો તો વળી મોટો તરખાટ,
          લગ્નની તૈયારીમાં આગળ જ રહે;
ભાભલડીને જોઈએ તે લાવી આપું,
          એમ હસતાં હસતાં એ મને કહે.

સાસુ-સસરા ને નણંદ-દિયર દ્વારા,
          એક બાજુ વિવાહની તૈયારી થાય;
વાગે છે ઢોલ ને વાગે છે શરણાઈ,
          બીજી બાજુ વિવાહનાં ગીત ગવાય.
                          * * *

૧૨. વિધવા વિવાહ ગીત-1


(રાગ-કંકુ છાંટીને લખજો કંકોતરી...)

શુભ મુહૂર્તે લખજો કંકોતરી,
એમાં લખજો સુખી થનારનું નામ
                    માણેકથંભ રોપ્‍યો.

ઉજ્જડ સંસાર ફરીથી બંધાણો,
આજે એને નથી જોતાં ધન કે દામ
                    માણેકથંભ રોપ્‍યો.

નવા સંસારમાં ખુશી પ્રભુ આપે,
એવા આશીર્વાદ દેજો એને તમામ
                    માણેકથંભ રોપ્‍યો.

સંસારમાં હરદમ આગળ વધે,
એવાં કરજો એ દુખિયારીનાં કામ
                    માણેકથંભ રોપ્‍યો.

એનો વેલો સદાયે આગળ વધે,
એના હૈયડામાં રહે હંમેશાં હામ
                    માણેકથંભ રોપ્‍યો.

સુખ આપ્‍યું સસરાએ માવતરનું,
તેઓએ અપાવ્‍યું છે એને સ્‍વર્ગધામ
                    માણેકથંભ રોપ્‍યો.

નવાં સાસરિયામાં સૌનો સ્‍નેહ મળે,
એની રક્ષાયું કરે ભગવાન રામ
                    માણેકથંભ રોપ્‍યો.

એના વિવાહમાં સૌ લોક પધારજો,
આવી દીપાવજો આ નાનકડું ગામ
                    માણેકથંભ રોપ્‍યો.
                          * * *

૧૩. વિધવા વિવાહ ગીત-ર


(રાગ-મારે માંડવ લીલી આડી ને પીળી થાંભલી રે...)

મારે માંડવ વાંસના લીધા ચાર થાંભલા રે,
એમાંથી બનાવ્‍યો રૂડો લગ્નમંડપ રે,
               સુખી થનારનો માંડવો રે.

એના પહેલા થાંભલે તે દેવોને નોતર્યા રે,
તેઓ આવીને આપે તેને આશીર્વાદ રે, સુખી થનારનો...

દેવો એને સુખી થવાના આશિષ આપે રે,
જેથી એનો મંડાય આ સુખી સંસાર રે, સુખી થનારનો...

એના બીજા થાંભલે તે આગેવાનો નોતર્યા રે,
તેઓ કરે ત્‍યાં વધાવાનો વરસાદ રે, સુખી થનારનો...

એની રૂડી નાવ સંસારમાં આગળ ધપે રે,
એનાં ચોઘડિયાં બધાં રહે મંગલ રે, સુખી થનારનો...

એના ત્રીજા થાંભલે સાસુ-સસરા નોતર્યાં રે,
તેઓ રાખે એનું સર્વ પ્રકારે ઘ્‍યાન રે, સુખી થનારનો...

દીકરીની જેમ રાખે એને એના સસરા રે,
એના સાસુજી બને માવડી સમાન રે, સુખી થનારનો...

એના ચોથા થાંભલે વરરાજાને નોતર્યો રે,
એ કરે સંસારી ફરજોનું પાલન રે, સુખી થનારનો...

વરરાજો આવી ચોળીના ફેરા ચાર ફરે રે,
નવદંપતીનો સુખી થાય સંસાર રે, સુખી થનારનો...

આમ ચારેય થાંભલે ચાર નોતરાં આપ્‍યાં રે,
અહિંયા હેતથી પધારે મહાશય રે, સુખી થનારનો...
                          * * *

૧૪. વિધવા વિવાહ ગીત-3


(રાગ-મારે માંડવ સૌ કોઈ આવે, બેનીના...)

મારો માંડવ રૂડો રૂપાળો, સોળે શણગાર કર્યા રે,
આ રૂડાઅવસરિયામાં સૌનાં હૈયાં હેતથી ભર્યાં રે.

આ રૂડા અવસરિયામાં સૌ કોઈ હરખે પધાર્યાં રે,
આનંદથી સૌનું સ્‍વાગત કર્યું, મોતીડે વધાવ્‍યાં રે.

પે'લા નોતરે દેવો પધાર્યા, લૈને આનંદ અનેરો રે,
કોઈને ન હોય એવો એમનો ઉલ્‍લાસ અદકેરો રે.

આ દેવો નોતરાને માન આપી સમયસર આવ્‍યા રે,
મૂલ્‍યવાન ભેટ-સોગાદો ને શુભ આશીર્વાદ લાવ્‍યા રે.

બીજા નોતરે આગેવાનો આવ્‍યા, મનમાં રાખી શાંતિ રે,
એક વિધવાનું દુઃખ ભાંગવા કરી છે જેણે ક્રાંતિ રે.

વિચાર લાંબા ખૂબ કર્યા હતા રાખીને ખૂબ ઘ્‍યાન રે,
પછી નિર્ણય કર્યો, ઘ્‍યાને ન લીધાં માન-અપમાન રે.

આ મહેમાનોએ આવીને અવસરિયાને દીપાવ્‍યો રે,
બ્રાહ્મણે  વિધિ  કરીને    મંડપરોપણ  કરાવ્‍યો  રે.

ત્રીજા નોતરે લઈને જાન સાસુ-સસરાજી આવ્‍યાં રે,
પોતાની વહુને શણગારવા એ આભૂષણો લાવ્‍યાં રે.

દીકરો પરણાવવા આવ્‍યાં મુખે મલકાટ રાખી રે,
ઠાઠમાઠમાં છે સસરાજી ને માથે પાઘડી નાખી રે.

સાસુજીની વાત મૂકો એ મુખ મલકાવતાં ચાલે રે,
કપડાં પહેર્યાં છે લાલ એને ચાંદલો લાલ ભાલે રે.

ચોથા નોતરે વર પધાર્યા, ખભે તલવાર નાખી રે,
ધીમા ડગલે ચાલતો એતો મુખડાને વિલું રાખી રે.

યુદ્ધમાં જાણે જાય છે રાજા વાગે છે ડીંગલવાજાં રે,
ઘોડો છે શણગારિયો ઉપર બેઠા છે વરરાજા રે.
                          * * *

૧પ. વિધવા વિવાહ ગીત-4


(રાગ-સીતાને તોરણ રામ પધાર્યા...)

વિધવાને તોરણે વર પધાર્યા,
          સાસુ પોંખે ને વર હરખાય;
મોઢું મલક મલક વર કરે,
          જાનડિયું ઊભી ત્‍યાં ગીતો ગાય.

ધીમે ધીમે હાલો વીર વરરાજા,
          સહિયર સૌ પાછળ રૈ જાય;
શુભ ચોઘડિયું સચવાઈ જાશે,
          ઉતાવળમાં પગ લથડાય.

લલાટે કાજળનો ડાઘ વરરાજા,
          નજર કોઈની લાગી ન જાય;
ખિસ્‍સામાં સોય અને લીંબુ છે રાખ્‍યાં,
          ઓછાયો કોઈનો અડી ન જાય.

દાદાએ હેતે વધાવ્‍યા વરરાજા,
          ને માતા વહાલ કરતી જાય;
બહેન હોંશે હોંશે ગીતડાં ગાતી,
          ને જલદી ડગલાં ભરતી જાય.

ઢોલ ઢબૂકે ને શરણાઈ વાગે,
          મંગળગીતોનો અવાજ થાય;
વરે તો હાથમાં તલવાર રાખી,
          મસ્‍તકે સુંદર ફેંટો સોહાય.

જાનની રંગત તો જામી ગઈ છે,
          સૌના આનંદનો પાર ન માય;
વિધવાને તો આજે દેવ આવ્‍યા છે,
          ઓઢણીમાં તો મોઢું મલકાય.
                          * * *

૧૬. વિધવા વિવાહગીત-પ


(રાગ-પરણ્‍યાં એટલે પ્‍યારાં લાડી...)

વિધવા બની ફરીથી સધવા,
          ભગવાન તેમને ફળ્‍યા રે;
પતિદેવ તેને રૂડા-રૂપાળા
          પ્રભુનો અવતાર મળ્‍યા રે.

આગલા સસરા પ્રભુ સમાન,
          વહુના બાપ બની રહ્યા રે;
સાસુજી તેમનાં માતા સમાન,
          વિદાય દેતા આંસુ વહ્યાં રે.

દેવો તેનું મોસાળ બની આવ્‍યા,
          મામેરું ઘણું બધું લાવ્‍યા રે;
ભાણેજ હોંશે હોંશે પરણાવી,
          સુખનાં બીજ ફરી વાવ્‍યાં રે.

ગામ આગેવાનો કુટુંબી થયા,
          કરિયાવર રૂડો કર્યો રે;
નવા સુધારાનો વિચાર રૂડો,
          સૌ લોકોએ ઘ્‍યાનમાં ધર્યો રે.

એક ડગ જાણે આકાશે માંડયું,
          સૌના હૈયે આનંદ ભર્યો રે;
એક માત્ર નાના વિચાર થકી,
          વિધવાનો ભવ સુધર્યો રે.

રૂડો અવસર પોતાનો ગણી,
          આ ગામ આખાએ મનાવ્‍યો રે;
જગતમાં જેને ખબર પડી,
          બધાએ પ્રસંગ વધાવ્‍યો રે.
                          * * *

૧૭. વિધવા વિવાહ ગીત-6


(રાગ-વાગ્‍યા વાગ્‍યા ઢોલ, વાગી શરણાયું...)

વગડાવ્‍યા ઢોલ ને વગડાવી શરણાયું,
          પરણાવી ગામે એક વિધવા;
જાન આવી ત્‍યારે આનંદ સૌનાં હૈયે,
          વિદાયવેળાએ લાગ્‍યા રડવા.

સૌનાં મનમાં જાણે દીકરીને પરણાવી,
          વળાવી લાડલી આજ સાસરે;
કોઈએ વળી જાણે બહેનને પરણાવી,
          ભાઈઓની આંખેથી આંસુ ખરે.

ધન્‍ય છે આ પ્રજાને ને ધન્‍ય છે આ ગામને,
          ધન્‍ય છે વિધવાના નસીબને;
એથી વધારે ધન્‍ય આ સાસુ-સસરાને છે,
          જેણે સુધાર્યું દુઃખી જીવનને.

આગેવાનોનો વિચાર ને પ્રભુની મહેચ્‍છા,
          બંનેથી પરણી એક વિધવા;
સૌથી વધારે આગળ સસરાનો વિચાર,
          જે થયા તૈયાર બાપ બનવા.

એક સાસરું છોડીને બીજા સાસરે ચાલી,
          કોડ ભરી વિધવા સુખી થવા;
સૂરજની સાક્ષીએ ને બ્રાહ્મણના વેદોથી,
          વિધવા બની ફરીથી સધવા.

અનેક અરમાનો ભરી પરણીને ચાલી,
          વારેવારે પાછળ જોતી જાય;
ગામના સૌ માણસો વળાવવા સાથે આવ્‍યા,
          સૌએ આપી અશ્રુભીની વિદાય.
                          * * *